અંબાજીના ભાદરવી પૂનમ નિમિત્તે કેટલાક સંઘો 190 વર્ષથી આવે છે
- અંબાજીમાં ૪૦૦થી વધુ સંઘો પહોંચ્યા
- અમદાવાદના લાલ દંડા વાળો સંઘ ઈ.સ.૧૮૩૫થી દર ભાદરવી પૂનમે અંબાજી આવે છે
અંબાજી તા.8
અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાવાની અવઢવ વચ્ચે ૪૦૦ જેટલા સંઘૌ અંબાજી પહોંચી ગયા છે. અંબાજીમાં આવતા ભાદરવી પૂનમના સંઘોનો ઇતિહાસ ૧૦ વરસથી લઇને ૧૯૦ વરસ સુધીનો છે. અંબાજી ભાદરવી પુનમિયો સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમે અંબાજી આવતા સંઘોની માહીતી અને સંકલન કરવામાં આવે છે. આ સંઘોનો ઇતિહાસ પણ રોચક છે.
યાત્રાધામ અંબાજી યોજાતો ભાદરવી મેળો બે સદીથી યોજાય છે. અંબાજી ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટની રજિસ્ટ્રેશન સંસ્થાના અંબાજી ખાતેના કાર્યાલય મેનેજર યાજ્ઞિક ઉપાધ્યાયે કહ્યું હતું કે, આ સંસ્થામાં અત્યાર સુધી ૧૪૨૦ સંઘોની નોંધણી થયેલી છે આ સંસ્થા ભાદરવી મેળામાં વહીવટી તંત્ર સાથે મળીને અંબાજી આવતા સંઘો પદયાત્રીઓને મેળામાં કોઈ અગવડતાના પડે એ માટે કાર્ય કરે છે અત્યાર સુધી ૪૦૦ સંઘો અંબાજી આવી ચુક્યા છે. અંબાજી ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટના સ્થાપક વ્યક્તિઓ પૈકીના ૮૧ વર્ષીય ચંદુભાઈ પટેલએ કહ્યું કે ગોજારીયા ગામના સંઘની શરૂઆત ઇ.સ. ૧૮૩૧ ના થઇ હતી આ સંઘની શરૂઆતનો ઇતિહાસ પણ રસપ્રદ છે. કોરોનામાં પણ મેળો મંદિર બંધ હતું તો પણ સંઘ મર્યાદિત માણસો સાથે અંબાજી આવ્યો હતો. જુનામા જૂનો સંઘ લાલ દંડા વાળા નામે અમદાવાદનો જાણીતો સંઘની શરૂઆત ઇ.સ.૧૮૩૫ થી થઈ હતી આ સંઘ પણ સતત ૧૮૭ વર્ષથી અંબાજી આવે છે આ સંઘની ખાસિયત એ છે આ સંઘમાં સામેલ ભાવિકો લાલ દંડા ઉપર લાલ ધજાઓ અને લાલ કલર ના વો પહેરેલા અંબાજીના બજારોમાંથી નીકળે છે. અમદાવાદ વ્યાસ વાડીનો સંઘ પણ ઘણો જૂનો છે આમ અંબાજી આવતા સંઘો ૧૦ વર્ષ થી લઈને ૨૦૦ વર્ષથી ભાદરવી સુદ અગિયારસ થી પૂનમ સુધી દર્શન કરીને ધજાઓ ચડાવવા પદયાત્રા કરીને આવે છે. સંઘોની પોતાની પણ આગવી ખાસીયતો હોય છે. જેમાં સવા ગજ થી લઈને અગિયારસો અગિયાર ગજ ની લાંબી ધજાઓ સાથે સંઘો આવે છે. એક ધજા થી લઈને એકસો એક ધજાઓ સાથેના સંઘો પણ આવે છે.