ધાનેરામાં મહીલાઓ રણચંડી બની રેલ્વે પુલને બાનમાં લેતા ચક્કાજામ
- ફુટપાથ ન હોવાના કારણે બાળકોની ચિંતાથી
- કાળઝાળ ગરમીમાં બે કલાક ટ્રાફીક જામ થતાં અનેક લોકો હેરાન પરેશાન
મહેસાણા, ધાનેરા, તા.8
ધાનેરા ઓવરબ્રિજની પાસે આવેલી સોસાયટીના રહેણાંક વિસ્તારની મહિલાઓએ જલારામ નગર સોસાયટી નજીક રેલવે પુલને બંધ કરી રસ્તા ઉપર બેસી ગઈ હતી. અનેકવાર રજુઆત કરવા છતાં જવાબ ન મળતા આજે મહિલાઓ રણચંડી બની રસ્તા રોકો આંદોલન કરી રેલવે ઓવરબ્રિજની અધૂરી કામગીરીને લઈ વિરોધ દર્શાવ્યો હતો. મહિલાઓની મુખ્ય માગણી એ છે કે, રેલવે ઓવર બ્રિજ પર ફૂટપાથ ના હોવાના કારણે બાળકો રેલવે પાટા પરથી પસાર થાય છે અને જ્યાં સુધી બાળકો ઘરે ના આવે ત્યાં સુધી બાળકોના માતા-પિતાના જીવ તાળવે રહે છે.
ધાનેરામાં નવિન રેલ્વે પુલનું પુરુ કામ કર્યા વગર ઉદ્ધાટન કરી દેવામાં આવ્યુ હતુ અને ધાનેરાની ડીસા તરફની સોસાયટીઓ માટે જે જુનો પુલ હતો તે પણ તોડી પાડવામાં આવતા આવતા જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને માત્ર ૧૦૦ ફુટ પાર કરવા માટે અડધો કિલો મીટર ચાલવુ પડી રહ્યુ છે. તેમજ શાળામાં જતા બાળકોને પુલ ઉપર ટ્રાફિક વચ્ચેથી પસાર થવુ પડતુ હોવાથી અકસ્માતો સર્જાવાનો ફફડાટ રહે છે. આ બાબતે તાત્કાલીક સીડીનુ કામ પુરુ કરવા માટે નેશનલ હાઇવેના અધિકારીઓને જણાવવા છતાં કોઇ કામગીરી નક્કર ન થતી હોવાથી તેમજ જે હાલ સીડીનુ કામ ચાલે છે તે પણ એકદમ સીધીજ સીડી બનતી હોવાથી લોકો ચડી શકે તેમ પણ ન હોવાથી ડીસા હાઇવે ઉપર આવેલ તમામ સોસાયટીઓને મહીલાઓએ બુધવારે પુલના છેડે બેસી ને આડશ મુકી દેતા ધાનેરા તરફથી ડીસા અને ડીસા તરફથી ધાનેરા આવતા કેટલાય વાહનો અટવાઇ પડયા હતા. જેના કારણે બન્ને તરફ એક એક કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી. આ ઘટનાની જાણ ધાનેરા મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ પોલિસને કરવામાં આવતા ધાનેરા પોલિસ પહાંચી હતી પરંતુ મામલો મહીલાઓનો હોવાથી મહીલા પોલિસ ન હોવાના કારણે પોલિસ પણ મુશ્કેલીમાં મુકાઇ હતી. બે કલાક સુધી આ ટ્રાફિક જામ રહેતા લોકો પણ આ કાળઝાળ ગરમીમાં શેકાયા હતા અને અંતે ધાનેરા પાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઇ બારોટે મહીલાઓને અધિકારીઓ જોડે વાત કરાવીને આ સમસ્યાનો ૧૦ દિવસમાં નિકાલ લાવવાની ખાતરી આપતા મામલો થાળે પડયો હતો અને રસ્તો મહીલાઓએ ખુલ્લો કર્યો હતો.
મહીલા પોલીસ ન હોવાથી પોલીસની કામગીરી અટવાઇ
ધાનેરામાં મહીલા પોલિસની અછતના કારણે આજે મહીલાઓ દ્વારા રસ્તો રોકવામાં આવ્યો ત્યારે મહીલા પોલિસ ન હોવાથી પોલિસ જવાનો દ્બારા આ બાબતે તેમના હથીયારો હેઠા મુકવા પડયા હતા અને તેમને પણ આ તમાશો ઉભા ઉભા જોવો પડયો હતો.
સાઇડ રોડ તથા ફુટપાથ ન હોવાથી અકસ્માત થયા છે
આ પુલ અધુરા કામે નેતાઓને રાજી રાખવા માટે ચાલુ કરી દેવામાં આવ્યો છે અને હાલ પણ પુલ ઉપર કામગીરી ચાલુજ છે અને સીડીઓ ન હોવાથી બાળકોને પુલ ઉપર ચાલવાના કારણે જ મંગળવારે બે બાળકોને વાહન ચાલકે અડફેટે લીધા હતા તે બાબતના આક્રોશે આ મહીલાઓને રસ્તો રોકવા ઉપર મજબુર કરી હતી.
બે કલાક ટ્રાફીકજામ છતાં કોઇ અધિકારી ફરક્યા નહી
મહીલાઓએ બે કલાક રસ્તો બ્લોક કરી દેવામાં આવતા ટ્રાફિકની કતારો લાગી હતી અને આ બાબતે કેટલાક લોકોએ પ્રાંત કચેરી તેમજ મામલતદાર ને ફોન કરવા છતાં તેમના દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નહી કે તેમનો એકપણ પ્રતિનિધી કે, રાજકિય આગેવાનો લોકોને સાંભળવા પણ આવ્યા ન હતા.